ગ્રામજનોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા શપથ લીધા
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત ભારત મિશનને સાર્થક બનાવવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસની જનવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ગ્રામસભામાં વિશ્વ પર્યાવરણ દિવસની ગ્રામજનો સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માનવ જીવન પર્યાવરણ પર આધારિત છે ત્યારે આજના સમયમાં પર્યાવરણનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારે ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પાણી અને વીજળી બચાવવા જમીન પર જ્યાં ત્યાં કચરો ન ફેંકવા તથા પ્રાકૃતિક ખેતી તરફ વળવા જેવા પર્યાવરણ રક્ષણના ઉપાયોની અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા પ્લાસ્ટિકના રિસાયકલ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત ભારત ઝુંબેશ અંતર્ગત સર્વે ઉપસ્થિતોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા શપથ લીધા હતા.
આ ગ્રામસભામાં માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, વેજલપરના તલાટી મંત્રીશ્રી હિરેન અઘારા, વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચ.ઓ.શ્રી ટ્વિંકલબેન કણસાગરા, એફ.એચ.ડબલ્યુ.શ્રી ધરતીબેન માવદીયા, આશાવર્કરશ્રી અનિતાબેન ચાવડા, ગામના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ સરપંચશ્રી ગણેશભાઈ કૈલા, આગેવાનશ્રી અર્જુનભાઈ કૈલા, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરને હરિયાળુ બનાવવા શહેરીજનોનો સહયોગ મેળવી મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત ગેસ લિમિટેડ મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી મહાનગરપાલિકાના પ્રાંગણમાં મહાનગરપાલિકાના સ્ટાફ તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયાના હેડશ્રી કમલેશ કંટારીયા તથા ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું.
‘વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો’ અને વૃક્ષો એ પ્રકૃતિના ફેફસા છે તેને સાર્થક કરવા આગામી દિવસોમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ૪૦૦૦ થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે જેમાં મોરબી ખાતે ૨૦૦ થી વધારે વૃક્ષો વાવવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સૌની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનોનો સહયોગ મેળવી અને મહાનગરપાલિકા દ્વારા આ માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને
મહાનુભાવોના હસ્તે કાપડની બેગનું વિતરણ કરાયું
મોરબીમાં કેસર બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત ભારત તેમજ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે મોરબીમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે “પ્લાસ્ટિક મુક્ત ભારત” તેમજ “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન”ના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા યોગ નીદર્શન, નાટક સેલ્ફ ડિફેન્સના આયોજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.
આ પ્રસંગે મોરબી , માળિયાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે ત્યારે અહીં પર્યાવરણના જતનનું મહત્વ વધી જાય છે. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવા તથા જ્યાં ત્યાં કચરો નહીં નાખવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે મોરબીને રળિયામણો અને ફરીથી સૌરાષ્ટનું પેરિસ બનાવવાના પ્રયાસોમાં સહભાગી બનવા જણાવ્યું હતું.
આ પ્રસંગે મોરબી મહાનગર પાલિકાના કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે, આજના સમયમાં પર્યાવરણની વિભાવના વધુ વિસ્તૃત બની છે, ત્યારે પર્યાવરણના જતન માટે શક્ય તમામ પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું. જ્યાં ત્યાં નાખવામાં આવતું પ્લાસ્ટિક પ્રાણીઓ ખાઈ છે ત્યારે તેમને તથા પર્યાવરણને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે વાત કરી તેમણે સર્વને કાપડ અને કાગળની થેલીનો ઉપયોગ કરી સૌને સહકાર આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોગ ગીતના તાલ સાથે યોગા, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયમ, આઓ યોગ કરેં, પાલસ્ટિક મુક્ત ભારત અન્વયે નાટક, અષ્ટાંગ યોગ, કરાટેથી સેલ્ફ ડિફેન્સ અને રાવણ હથ્થો સંગીત સહિત વિવિધ જન જાગૃતિના સંદેશ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી સર્વે ઉપસ્થિત સૌ અચંબીત થઈ ગયા હતા.
આ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે પર્યાવરણના જતન માટે સૌને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાબ્દીક સ્વાગત ડેપ્યુટી કમિશનરશ્રી સંજય સોનીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ, પ્રદૂષણ બોર્ડના અધિકારીશ્રી સોની, સહાયક માહિતી નિયામકશ્રી પારૂલ આડેસરા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
મોરબી જિલ્લામાં ઇકોનોમિક માસ્ટર પ્લાન ઔદ્યોગિક વિકાસની સાથે સર્વાંગિક અને સર્વ સમાવેશી વિકાસનો પર્યાય બની રહેશે
જિલ્લા વહીવટી તંત્ર, GRIT ની ટીમ અને જિલ્લાના ઉદ્યોગપતિઓએ જૂથ ચર્ચા થકી વિચાર મંથન કર્યું
મોરબી જિલ્લાને રાજ્યના અર્થતંત્રનું આર્થિક પાવર હાઉસ બનાવવા મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં GRIT (ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન) ના સહયોગથી ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના હેતુ સાથે વર્કશોપ યોજાયો હતો.
મોરબી જિલ્લો સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે અને ઔદ્યોગિક દ્રષ્ટિએ ફક્ત ભારત જ નહીં પણ દુનિયાભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ત્યારે સૌરાષ્ટ્ર પરીક્ષેત્રનો ઇકોનોમિક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન્ટ તૈયાર કરવાની સાથે મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસની સાથે સર્વાંગીક વિકાસને એક નવી ગતિ અને ઊંચાઈઓ આપવાના હેતુ સાથે મોરબી જિલ્લામાં નવા ઇકોનોમિક પ્લાન સાથે વિવિધ વિભાગોના સંકલન થકી મોરબીમાં રોકાણ વધે તે મુજબનું વાતાવરણ ઊભું કરવા વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપ અંતર્ગત કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના નીતિ આયોગ અને GRIT દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવા સંયુક્ત પણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે GRIT દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારનો ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટ તૈયાર કરવા માટે PWC ની નિમણૂક કરવામાં આવી છે.
આ વર્કશોપ દરમિયાન મોરબી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, GRIT ની ટીમ અને મોરબી જિલ્લાના વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ દ્વારા જૂથ ચર્ચા થકી ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તે અંગે વિસ્તૃત વિચાર મંથન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લો સીરામીક, પેપરમીલ, સેનેટરીવેર, પોલીપેક, સોલ્ટ અને ઘડિયાળ ઉદ્યોગમાં વિશ્વભરમાં નામાંકિત છે. ત્યારે મોરબી જિલ્લામાં લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, હોસ્પિટલ અને સારવાર માટેની સુવિધામાં વધારો કરવાથી ઔદ્યોગિક એકમોની કાર્યક્ષમતામાં વધારો થશે તેમજ લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થશે. મોરબી જિલ્લામાં ઘણા નવા પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, ખાસ કરીને સૌરઊર્જા, હાર્ડવેર, પ્લાસ્ટિક પ્રોડક્ટ, લેમિનેટ શીટ, રમકડા વગેરે ઉદ્યોગો મોરબી જિલ્લામાં ધીમે ધીમે વિકાસ પામી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં ઇકોનોમિક માસ્ટર પ્લાન ઔદ્યોગિક વિકાસની સાથે સર્વગ્રાહી વિકાસનો પર્યાય બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, GRIT (ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન)ની સંસ્થા દ્વારા વિકાસલક્ષી યોજનાઓને ‘વિકસિત ગુજરાત 2047’ વિઝન સાથે સરેખિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેતા ૬ આર્થિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. દરેક આર્થિક ક્ષેત્ર માટે ઉદ્દેશોને ધ્યાને લઈ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. GRIT ના સૌરાષ્ટ્ર રીજીયનમાં સમાવિષ્ટ બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓના ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરીમાં PWC એજન્સી કન્સલ્ટન્ટ તરીકે ભૂમિકા ભજવી રહી છે. GRIT દ્વારા ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં આર્થિક, સામાજિક, ઉદ્યોગિક, શૈક્ષણિક અને રોડ કનેક્ટિવિટી સહિતના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વર્કશોપમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશશ્રી રાહુલ ત્રિપાઠી, વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા જિલ્લાના અગ્રગણ્ય ઉદ્યોગપતિશ્રીઓ, વિવિધ એસોસીએશના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તથા હોદેદારશ્રીઓ અને GRIT ની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
માળિયા મીયાણા નાં ચીખલી ગામે હથિયાર સાથે એક ઝડપાયો
માળીયા મીયાણા નાં ચીખલી ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથિયાર બનાવનાર આરોપી સલીમ કાદર માવાણી ને દેશી હાથ બનાવટની બાર બોર સિંગલ બંધુક સાથે એક શખ્સ ને ઝડપી પાડયો બંદુક કાર્ટિસ અન્ય બનાવવાની વસ્તુ સાથે કુલ ૧૯.૦૭૦ રૂપિયા નાં મુદામાલ સાથે એલસીબીએ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી