તા. 27/02/2026ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સી.ડી.એમ.ઓ. પ્રદીપભાઈ કે. દુઘરેજીયાની ઉપસ્થિતિમાં તેમજ નરેન્દ્રમોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન મણીયારના માર્ગદર્શન હેઠળ કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવિંગ વિથ એચ.આઈ.વી./એઈડ્સ સંસ્થા દ્વારા હોળી ઉત્સવ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે પી.એલ.એચ.આઈ.વી. ગંગાસ્વરૂપ બહેનો, સગર્ભા બહેનો તેમજ બાળકોને ઘાણી, ખજૂર, ફરસાણ, મીઠાઈ, કલર અને પીચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એ.આર.ટી. વિષયક માર્ગદર્શન અને તબીબી સહાય અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.કરુણા ફાઉન્ડેશન દ્વારા હવે મોરબી જિલ્લામાં દર મહિને રાશન કિટ આપવાનો આયોજન હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના દાતાશ્રી સિરામિક પરિવાર તથા સ્થાનિક દાતાઓના સહકારથી આ સેવા કાર્ય સફળ બન્યું હતું. સંસ્થાએ દાતાશ્રીઓને નમ્ર વિનંતી કરી છે કે મોરબી જિલ્લામાં એચ.આઈ.વી. પીડિત પરિવારોને સહાય માટે દર મહિને રાશન કિટ સપોર્ટ આપવા આગળ આવે. કાર્યક્રમમાં સભ્યો તરીકે શ્રી રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઈ નિમાવત, આશાબેન વિશોડીયા, ભાવનાબેન ચાવડા, હીનાબેન બારોટ અને ઉષાબેન બોડા હાજર રહ્યા હતા.
મોરબી એલસીબીએ વાંકાનેર તાલુકામાં બનેલી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર ચોરી કરનાર ગેંગનો સફળ પર્દાફાશ કર્યો છે. પોલીસએ ચાર મુખ્ય આરોપી તથા ચોરીનો માલ રાખનાર એક વ્યક્તિ સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપીને રૂપિયા 14,13,500/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રાપ્ત માહિતી મુજબ
વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં રાત્રિના સમયે વીજ લાઇન પર લગાવેલી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર કાપીને ચોરી કરવામાં આવતી હતી. PGVCL દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અંદાજે ૩૫૮૦ મીટર જેટલી વાયર ચોરી કરી વેચી દેવામાં આવી હતી. આ વાયરનો કુલ વજન અંદાજે ૩૦૦૦ કિલો જેટલો હોવાનું સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપીઓ પોલીસે ચાર શખ્સોને ચોરીના ગુનામાં તથા એક શખ્સને ચોરીનો માલ રાખવાના ગુનામાં ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓ વાંકાનેર અને આસપાસના વિસ્તારોના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ એલ્યુમિનિયમ વાયર મોબાઇલ ફોન વાયર કાપવાના કટર બોલેરો પીકઅપ (નંબર GJ13AW8337)કુલ મળેલ મુદ્દામાલની કિંમત રૂપિયા 14,13,500/- ગણવામાં આવી છે. પોલીસની કાર્યવાહી આ સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સો વિશે પણ તપાસ ચાલી રહી છે.
દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના ફ્રીજ સહીત કીમતી વસ્તુ ભેટ અપાઈ જગતમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી વેર વહેમ વ્યસન છુટી જાય તો જીવન ધન્ય બની જાય- મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ ગોસ્વામી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી ટીમ દ્વારા મોરબીના રામધન આશ્રમ ખાતે દશનામ ગોસ્વામી સમાજનો ધામધૂમથી ભવ્ય 15 મો સમૂહ લગ્નઉત્સવ યોજાયો હતો જેમાં 5 યુગલો લગ્નગ્રંથિમાં જોડાયા હતા આ સમૂહલગ્નમાં દીકરીઓને કર્યાવરમાં સોના ચાંદીના દાગીના ફ્રિજ સહિત ગૃહ ઉપયોગી 79 થી વધુ ચીજ વસ્તુઓ ભેટ અપાઇ હતી આ સમૂહ લગ્નમાં સંતો મહંતો સૌરાષ્ટ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન તેમજ શ્રી મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી રતનેશ્વરીદેવીજી એ નવદંપતીઓને આશીર્વાદ આપી જણાવ્યું હતું કે વેર વહેમ વ્યસન આજીવનમાં ત્રણ વસ્તુ છુટી જાય ને જીવન ધન્ય બની જાય વધુમાં જણાવ્યું કે વ્યસન સાથે ફેશનને લગ્નના ખોટા ડેકોરેશન માં ખોટા ખર્ચ બંધ થાય ને આવા સમુહલગ્નમાં દરેક પરિવાર જોડાઈ તો એક સાથે આટલા મોટા સમાજના દર્શન થાય સમાજનું સંગઠન એકતા મજબૂત બને સમાજના એકબીજા પરિવારોના સંબંધો વધુ મજબૂત બને હળીમળીને રહે એ આ સમૂહ લગ્નના આયોજન થી જોવા મળે છે વધુમાં તેને નાના બાળકો માં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ની ટેવ ન પાડો એને વધુમાં વધુ ભણાવો તેને ધર્મને સંસ્કૃતિ સંસ્કાર આપો વધુમાં આ પ્રસંગે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી એ જણાવ્યું કે નવદંપતિથીઓને તેના વાલીઓને જણાવ્યું હતું નાની નાની બાબતે એકબીજાની ભૂલ થાય તો માથાકૂટ કર્યા વગર એકબીજા જતું કરવાની ભાવના રાખો જો એક પરિવાર તેની લાડકી દીકરીને પરણાવી ને તમારા પરિવારમાં મોકલે છે તો તમે પણ તેને તમારી વહુ ના બદલે દીકરી તરીકે રાખો તો ઘરકંકાશને છૂટાછેડા ના સમાજમાં પ્રશ્નો નહીં બને સમૂહલગ્ન એ લગ્નવિધિ પૂરતો સીમિત નથી પરંતુ સમાજમાં પરસ્પર પ્રેમ સહયોગ સંસ્કારનું વાવેતર કરતો ઉત્સવ છે. સમૂહલગ્ન એ એકતામાં શક્તિનો સંદેશ આપે છે આવો પ્રસંગ સમાજને એક મંચ પર સાથે લાવી પરસ્પર ભાઈચારો મજબૂત બતાવે છે આ દશનામ ગોસ્વામી સમાજનો આ પ્રયાસ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે અને સમાજ સેવાના ક્ષેત્રે ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે તેમજ આ પ્રસંગે જાણીતા ભજનીક અને લોકગાયીકા રીટાબેન ગોસ્વામી અને રમીલાબેન ગોસ્વામી એ દીકરી વિશે ઓ મેરી લાડકી ગીત ગાઈ ને સહુ ને ભાવવિભોર કરી દીધા હતા આ સમૂહલગ્ન માં ઉપસ્થિત સંતો મહંતો આગેવાનોએ સમૂહ લગ્નના આયોજનને બિરદાવી આયોજક પ્રવીણભારતી સહિત ટીમ નું સન્માન કર્યું હતું. મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન માત્ર ગોસ્વામી સમાજના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવે છે આ સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા સમિતિના ગોસ્વામી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી, ડો જયદીપપુરી મનસુખપુરી, પ્રવીણગીરી વસંતગીરી,રાજેશપુરી બટુકપુરી સહિત સેવાભાવી સભ્યોએ તન મન ધન થી સહયોગ આપી જહેમત ઉઠાવી હતી.
સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું લોકહિતકારક આયોજન કરવામાં આવ્યું હતું મોરબી : સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે માનવ સેવા અને આરોગ્ય જાગૃતિના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક નિદાન અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાયેલ આ સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાના પાવન સ્મરણાર્થે આયોજિત આ આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ અને સામાન્ય નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવાનો રહ્યો હતો. કેમ્પ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે દર્દીઓને તેમના રોગ અંગે યોગ્ય સલાહ આપી આગળની સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સેવા આપનાર તબીબોની ટીમમાં ડો. ભૌમિક સરડવા (Ethical Hospital & ICU – મેડિસિન), ડો. મેહુલ પનારા (Vision આંખની હોસ્પિટલ – આંખ વિભાગ), ડો. ધીરેન પટેલ (શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર – ડેન્ટલ વિભાગ), ડો. અક્ષય જાકાસણીયા (વાત્સલ્ય ચાઈલ્ડ હોસ્પિટલ – બાળરોગ વિભાગ), ડો. ઉમેશ ગોધવીયા (Pulse Hospital & ICU – મેડિસિન), ડો. ભાવેશ શેરસીયા (Divine સ્કીન & પંચકર્મા ક્લિનિક – સ્કિન વિભાગ), ડો. નિશિથ દઢાણીયા (આરાધના હોસ્પિટલ – ગાયનેક વિભાગ), ડો. વિમલ દેત્રોજા (Leprocare – સર્જરી વિભાગ) તથા ડો. યશ કડિવાર (Welcare ઓર્થોપેડિક હોસ્પિટલ – ઓર્થોપેડિક વિભાગ)એ નિઃસ્વાર્થ સેવા આપી હતી. આ ઉપરાંત Dr. Patel Pathology Laboratory દ્વારા મફત બ્લડ સુગર ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિદાન સાથે આરોગ્ય સલાહ, તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવતા લોકોમાં વિશેષ સંતોષની લાગણી જોવા મળી હતી. આ સેવા કાર્ય દ્વારા સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાના સ્મરણને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ સમાજમાં સેવા, સહકાર અને માનવતાનો પ્રેરણાદાયી સંદેશ પ્રસર્યો હતો. આયોજકો તથા તબીબોની સેવાભાવી કામગીરીને નાગરિકોએ વખાણી હતી
મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગણતરીના દિવસોમાં બે હત્યાના બનાવો સામે આવતા “કાયદાનો ડર માત્ર નામ પૂરતો રહ્યો?” એવી ચર્ચા શહેરમાં જોર પકડતી દેખાઈ રહી છે. જમીન-મકાનના ધંધા સાથે જોડાયેલા તાજમહમદ ભટ્ટી નામના મુસ્લિમ યુવાનની ઘાતકી હત્યાએ શહેરને ઝંઝોડી નાખ્યું છે. માહિતી મુજબ, લાલબાગ સેવાસદન વિસ્તારમાંથી અપહરણ કરી ઢોર મારમારી બાદ તેમની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને સળગાવી દાટી દીધો હતો અને ઉપર ધાબુ કરી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પીપળી રોડ પર આવેલ ‘સિવાય કોલ’ નામના કારખાનામાંથી દાટી દેવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી બી ડિવિઝન પીઆઇ તાલુકા પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢવાની કામગીરીમાં જોડાયો હતો. ફોરેન્સિક તપાસ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હજુ સોની યુવાનની હત્યાની ઘટનાની સાઈ હજું સુકાઇ નથી ત્યાં વધુ એક હત્યાએ ચકચાર મચાવી દીધી છે અને પરિવારને ન્યાય મળવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ફરી એક હત્યાનો બનાવ બનતા તંત્રની કાર્યક્ષમતા અને ઈમેજ પર સવાલો ઊભા થયા છે. નાગરિકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે અને કાયદાની કડક અમલવારીની માંગ ઉઠી રહી છે. શહેરવાસીઓ હવે સ્પષ્ટ જવાબ અને ઝડપી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. અપરાધીઓ સામે કડક પગલાં અને જાહેર સુરક્ષા મજબૂત બનાવવાની જરૂરિયાત આજે વધુ તીવ્ર બની છે. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે