
ગ્રામજનોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા શપથ લીધા

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત ભારત મિશનને સાર્થક બનાવવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસની જનવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ગ્રામસભામાં વિશ્વ પર્યાવરણ દિવસની ગ્રામજનો સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માનવ જીવન પર્યાવરણ પર આધારિત છે ત્યારે આજના સમયમાં પર્યાવરણનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારે ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પાણી અને વીજળી બચાવવા જમીન પર જ્યાં ત્યાં કચરો ન ફેંકવા તથા પ્રાકૃતિક ખેતી તરફ વળવા જેવા પર્યાવરણ રક્ષણના ઉપાયોની અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા પ્લાસ્ટિકના રિસાયકલ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત ભારત ઝુંબેશ અંતર્ગત સર્વે ઉપસ્થિતોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા શપથ લીધા હતા.
આ ગ્રામસભામાં માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, વેજલપરના તલાટી મંત્રીશ્રી હિરેન અઘારા, વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચ.ઓ.શ્રી ટ્વિંકલબેન કણસાગરા, એફ.એચ.ડબલ્યુ.શ્રી ધરતીબેન માવદીયા, આશાવર્કરશ્રી અનિતાબેન ચાવડા, ગામના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ સરપંચશ્રી ગણેશભાઈ કૈલા, આગેવાનશ્રી અર્જુનભાઈ કૈલા, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Leave Your Comment Here