મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી અન્વયે જોન્સનગર આંગણવાડી કેન્દ્ર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરશ્રી હાર્દિકભાઈ દેત્રોજા દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા, સેનેટરી નેપકિનના યોગ્ય ઉપયોગ અને તકેદારી અંગે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. કચેરીના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટરશ્રી મયુરભાઈ સોલંકી દ્વારા કિશોરીઓને શિક્ષણનું મહત્વ અને મહિલાલક્ષી યોજનાઓની વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી.. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અન્વયે પરિમલ પ્રાથમિક શાળા વિસીપરા ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિસીપરા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરશ્રી રાહુલભાઈ પરમાર દ્વારા કિશોરીઓને તમાકુના સેવનથી થતા નુકશાન અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટરશ્રી મયુરભાઈ સોલંકી દ્વારા મહિલાઓ દ્વારા કરવામાં આવતા તમાકુના સેવન અને તે અંગેની અસરો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ તકે તમાકુ અંગેની જાગૃતિ માટેની રંગોળી સ્પર્ધા થકી કિશોરીઓએ તમાકુ નિષેધ અંગે સંદેશો આપ્યો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામ અપાયા હતા.
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા કોઈપણ હોસ્પિટલમાં જાતીય પરીક્ષણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સેમિનારનું આયોજન કરવા પણ સુચના આપવામાં આવી હતી. વધુમાં મોરબી જિલ્લામાં ૧૦૦૦ પુરુષ બાળકોએ ૯૧૫ સ્ત્રી બાળકોનું જન્મ પ્રમાણ છે જે બાબતે યોગ્ય કામગીરી કરવા તથા પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત કરવા પણ સુચના આપવામાં આવી હતી
મોરબી જિલ્લામાં સરકારીશ્રીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે આઇસીડીએસના સીડીપીઓ સર્વશ્રી તથા મુખ્ય સેવિકાઓ માટે એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટરશ્રી જીજ્ઞાશા પંડ્યા તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી અંકુર વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
કમિશનરીશ્રી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ વર્કશોપમાં C-MAM (Community-Based Management of Acute Malnutrition – અતિ કુપોષણનું સમુદાય-આધારિત વ્યવસ્થાપન) કાર્યક્રમના અમલીકરણ અંગે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનપુટ્સ અને વિઝન, C-MAM ના વ્યુહાત્મક આયોજન અને પ્રસ્તુતિ, જિલ્લા બેસ્ટ પ્રેક્ટિસીસ, C-MAM પ્રોગ્રામમાં આરોગ્ય વિભાગની ભૂમિકા, ગામડાના આંગણવાડી કેન્દ્રમાં પોષણની સ્થિતિ, પોષણ સંગમ એપ્લિકેશનનું ઓરિએન્ટેશન સહિત વિવિધ મુદ્દાઓને કેન્દ્રમાં રાખી વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં આઈસીડીએસ રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામકશ્રી પૂર્વીબેન પંચાલ, મોરબી સીઆરએચઓશ્રી ડો. સંજય શાહ, મોરબી આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ સર્વશ્રી અને મુખ્ય સેવિકાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરના જાહેર માર્ગો પર પ્લાસ્ટિક મુક્તિ અંગેના નારા લગાવયા; ખેલાડીઓ, ટ્રેનર્સ, બાળકો અને શહેરીજનો જોડાયા
વિશ્વ પર્યાવરણ દિવસની વર્ષ-૨૦૨૫ની થીમ ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ અંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.
૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ઉજવણી પૂર્વે વિવિધ આયોજનો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની થીમને ધ્યાને લઈ લોકોને પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જાગૃત કરવા તેમજ પ્લાસ્ટિકના વપરાશને નહિવત કરવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ગત તારીખ ૨૯/૦૫/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબીના જાહેર માર્ગો પર રેલી સાથે વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકથોનમાં લોકો દ્વારા ‘જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો’ અને ‘પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી જવાબદારી’ સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. આ વોકથોન દરમિયાન સર્વે ઉપસ્થિતો દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તથા આ બાબતે લોકોને જાગૃત કરવા શપથ પણ લેવામાં આવ્યા હતા.
આ વોકથોનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રવિભાઈ રાઠોડ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સ્ટાફ, જિલ્લાના ખેલાડીઓ, રમતના કોચશ્રીઓ, વ્યાયામ શિક્ષકશ્રીઓ, ટ્રેનર્સ તેમજ બાળકો અને શહેરીજનો જોડાયા હતા.