મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગણતરીના દિવસોમાં બે હત્યાના બનાવો સામે આવતા “કાયદાનો ડર માત્ર નામ પૂરતો રહ્યો?” એવી ચર્ચા શહેરમાં જોર પકડતી દેખાઈ રહી છે. જમીન-મકાનના ધંધા સાથે જોડાયેલા તાજમહમદ ભટ્ટી નામના મુસ્લિમ યુવાનની ઘાતકી હત્યાએ શહેરને ઝંઝોડી નાખ્યું છે. માહિતી મુજબ, લાલબાગ સેવાસદન વિસ્તારમાંથી અપહરણ કરી ઢોર મારમારી બાદ તેમની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને સળગાવી દાટી દીધો હતો અને ઉપર ધાબુ કરી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પીપળી રોડ પર આવેલ ‘સિવાય કોલ’ નામના કારખાનામાંથી દાટી દેવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી બી ડિવિઝન પીઆઇ તાલુકા પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢવાની કામગીરીમાં જોડાયો હતો. ફોરેન્સિક તપાસ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હજુ સોની યુવાનની હત્યાની ઘટનાની સાઈ હજું સુકાઇ નથી ત્યાં વધુ એક હત્યાએ ચકચાર મચાવી દીધી છે અને પરિવારને ન્યાય મળવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ફરી એક હત્યાનો બનાવ બનતા તંત્રની કાર્યક્ષમતા અને ઈમેજ પર સવાલો ઊભા થયા છે. નાગરિકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે અને કાયદાની કડક અમલવારીની માંગ ઉઠી રહી છે. શહેરવાસીઓ હવે સ્પષ્ટ જવાબ અને ઝડપી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. અપરાધીઓ સામે કડક પગલાં અને જાહેર સુરક્ષા મજબૂત બનાવવાની જરૂરિયાત આજે વધુ તીવ્ર બની છે. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે
ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા નું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતા સોમવારે મોરબીના ઉમા ટાઉનશીપ વિસ્તાર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા ઉમા ટાઉનશીપ ઉમિયા માતાજીના મંદિરે સિદસર મહિલા સમિતિ મોરબી અને પંચમુખી ગરબા મંડળના સહયોગથી હવન તથા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લાના મહિલા પ્રમુખ ચાંદનીબેન એમ મણિયાર જાગૃતિબેન ગઢીયા સુનિતાબેન સહિતના મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં આહુતિ આપી અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના સફળ ઓપરેશન અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે મહિલા સમિતિ દ્વારા જણાવ્યું હતું કે પ્રાર્થના સૌથી શક્તિશાળી માધ્યમ છે અને શુદ્ધ ભાવનાથી કરેલી પ્રાર્થના અશક્ય ને પણ શક્ય બનાવે છે મંત્રી કાંતિભાઈ અમૃતિયા વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરી જન સેવામાં સક્રિય બને તેવા શુભ આશય સાથે કાર્યકમ નું આયોજન કરાયું હતું
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવ આગામી તા. 11 ના રોજ યોજાશે. ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો તેમજ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભા રાખવામા આવેલ છે. અને ત્યારે રાજ્યના મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહેશે. ત્યારબાદ ગામનો સમૂહ પ્રસાદનું યોજાશે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે. મોરબી નજીકના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ધાર્મિક પ્રસંગના મુખ્ય યજમાન જયેશભાઈ ગોપાલભાઈ વિલપરા તેમજ સહ યજમાનોમાં દશરથભાઈ ગોપાલભાઈ વિલપરા, શૈલેષભાઈ રતિલાલભાઈ વિલપરા, બળદેવભાઈ ચુનીલાલ વિલપરા, જીગ્નેશભાઈ રતિલાલભાઈ વિલપરા, સંજયભાઈ નારણભાઈ વિલપરા અને ધર્મેન્દ્રભાઈ નારણભાઈ વિલપરા છે અને આગામી તા. 10 ને મંગળવારના રોજ સાંજે સાડા ચાર કલાકે દેહશુદ્ધિ, ધાન્યાધીવાસ અને કુટીર હોમનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાત્રિના નવ કલાકે પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં ભજનીક મિલનભાઈ પટેલ, દક્ષાબેન પરમાર અને હિતેશગીરી ગોસ્વામી દ્વારા જમાવટ કરવામાં આવશે ત્યારે તબલા વાદક માનભા જાડેજા, બેનજો વાદક જગદીશ બાપુ સહિતના સાજિંદાઓ સુરતાલ આપશે. ત્યારબાદ તા.11/2 ના રોજ સવારે 7 વાગ્યાથી યજ્ઞ શરૂ થશે. 10 વાગ્યે ધર્મસભા, 10:30 વાગ્યે મંદિર ઉપર ઈંડુ અને ધ્વજાજી ચડાવવામાં આવશે અને ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહાઆરતી અને ત્યાર પછી મહાપ્રસાદ યોજાશે આ ધાર્મિક પ્રસંગે બગથળા ગામે આવેલ નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા તથા બ્રિજેશભાઈ મેરજા, મોરબી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે આ ધાર્મિક પ્રસંગનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.
મોરબીમાં રહેતા 28 વર્ષીય મુમુક્ષુ વિધિબેન એ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી સંયમ જીવનનો માર્ગ અપનાવ્યો હતો. આ ભવ્ય દીક્ષા મહોત્સવ શેઠ નાનજી ડુંગરશી સ્થાનકવાસી મોટા ઉપાશ્રય જૈન સંઘના આયોજને આત્મયોગી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીની પાવન નિશ્રામાં યોજાયો હતો. મોરબી નિવાસી અશ્વિનભાઈ મહેતા અને અનિલાબેન મહેતાની સુપુત્રી વિધિબેનએ આજના ભૌતિકવાદી યુગમાં ઉચ્ચ શિક્ષણ, વૈભવ અને સાંસારિક સુખોનો ત્યાગ કરી આત્મકલ્યાણનો માર્ગ પસંદ કર્યો છે. યુવાન વયે વિષય-વાસનાઓ અને મોહમાયાથી દૂર રહી સંયમનો માર્ગ સ્વીકારવાનો તેમનો નિર્ણય જૈન સમાજ માટે પ્રેરણાસ્રોત બન્યો છે. અને લીંબડી મોટા ઉપાશ્રય જૈન સંઘ માટે આ અવસર વિશેષ મહત્વનો હતો, કારણ કે ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ શહેરમાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો. દીક્ષા પૂર્વે એક ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા અને સમગ્ર શહેરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. દીક્ષા વિધિ દરમિયાન આચાર્ય ભગવંતના પાવન આશીર્વાદ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને કેશલોચન વિધિ બાદ વિધિ કુમારીએ શ્વેત વસ્ત્રો ધારણ કરી સંયમ જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે આચાર્ય ભગવંતે સંયમના માર્ગની મહત્તા સમજાવતા જણાવ્યું હતું કે સંયમ એ આત્મકલ્યાણનો સર્વોત્તમ માર્ગ છે. દીક્ષા વિધિ પૂર્ણ થતાં જ નવદીક્ષિત સાધ્વીજીના દર્શન માટે લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જેથી લીંબડીમાં ભક્તિ અને વૈરાગ્યનો અનોખો સંગમ આજે જોવા મળ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીની ઐતિહાસિક ઇમારતોને તિરંગાના લાઇટિંગ સેડનો શણગાર અપાયો હતો. મોરબી મનપા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરની ઐતિહાસિક ઈમારત નહેરુ ગેટને આકર્ષક રીતે દેશના તિરંગાની થીમના લાઇટિંગ સેડથી સુશોભિત કરવામાં આવ્યું હતું, તેમજ મણીમંદિર રાણીબાગને તિરંગા દેશના રાષ્ટ્રધ્વજના ત્રણ કલર કેસરી, સફેદ અને લીલો આ ત્રણ કલરના લાઇટિંગ શેડનું ડેકોરેશન મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ આ રીતે મોરબીના શહેરીજનોને લાઇટિંગ થીમ ડેકોરેશન મળી રહે તે માટે ઈલેક્ટ્રીક વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, આ લાઇટિંગ ડેકોરેશન આગામી સમયમાં મોરબીના સહેલાણીઓને નિયમિત રૂપે નવા નજરાણા સ્વરૂપ મોરબી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે.