
નવી દિલ્હી. તહેવારની સિઝન આવતા જ કોરોના વાયરસે એક વખત ફરીથી દેશની ચિંતા વધારી દીધી છે. દિવાળી અને છઠ પહેલા કોરોના વાયરસ નવા વેરિઅન્ટની સાથે પગપસેરો કરી રહ્યો છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેના નવા વેરિઅન્ટે પણ ભારતમાં દસ્તક આપી છે. સૌથી ખતરનાક ગણાતા ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BQ.1નો એક કેસ પુણેમાં મળી આવ્યો છે, જેને ભારતનો પ્રથમ કેસ કહેવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ઓમિક્રોનના અન્ય સબ-વેરિઅન્ટ XBBના કેસ પણ દેશમાં સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોવિડ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન લોકોએ વધુ સજાગ રહેવાની જરૂર છે. નિષ્ણાતોએ કહ્યું છે કે તહેવારો દરમિયાન ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.
દિલ્હી મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉ. પુનિત કુમારે ખાસ કરીને દિવાળીના અવસર પર કોરોના વાયરસથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો થયો છે અને આ કોવિડનો નવો વેરિઅન્ટ છે. તેમણે અપીલ કરી છે કે જે લોકોએ વેક્સિનનો ત્રીજો પ્રીકોશન ડોઝ નથી લીધો તેઓ જલ્દી લઈ લે. ડૉ. પુનિતે કહ્યું કે નવો વેરિઅન્ટ આવી ગયો છે અને તે કેટલો જોખમી છે તે અત્યારે કહી શકાય તેમ નથી, પરંતુ માસ્ક પહેરો. તમારી દિવાળી ખરાબ ન કરો અને સાવચેત રહો.