

મોરબી શહેરને હરિયાળુ બનાવવા શહેરીજનોનો સહયોગ મેળવી મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત ગેસ લિમિટેડ મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી મહાનગરપાલિકાના પ્રાંગણમાં મહાનગરપાલિકાના સ્ટાફ તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયાના હેડશ્રી કમલેશ કંટારીયા તથા ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું.
‘વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો’ અને વૃક્ષો એ પ્રકૃતિના ફેફસા છે તેને સાર્થક કરવા આગામી દિવસોમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ૪૦૦૦ થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે જેમાં મોરબી ખાતે ૨૦૦ થી વધારે વૃક્ષો વાવવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સૌની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનોનો સહયોગ મેળવી અને મહાનગરપાલિકા દ્વારા આ માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
Leave Your Comment Here