
મોરબીમાં વરસાદના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટરશ્ર કે.બી. ઝવેરીએ પત્રકાર પરિષદ યોજી

મોરબી શહેરીજનોની સમસ્યાઓના નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા કટિબધ્ધ; વિસ્તાર મુજબ અધિકારી/કર્મચારીઓના સંપર્ક નંબર જાહેર કરાયા

શહેરી વિસ્તારમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર અને સફાઈના પ્રશ્નો બાબતે નાગરિકો સીધી રજૂઆત કરી શકશે; પ્રશ્નોનું કરાશે ઝડપી અને યોગ્ય નિકાલ

મોરબી જિલ્લા અને શહેરી વિસ્તારમાં ચોમાસાના કારણે લોકોને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તથા તેમના પ્રશ્નોનું તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સ અન્વયે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે વહીવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકા કટિબધ્ધ છે. અંડર ગ્રાઉન્ડ ગટર, કુંડીની સફાઈના પ્રશ્નોનું નવા સાધનોથી નિરાકરણ કરવામાં આવશે. ખાલી ચોમાસાની ઋતુમાં ખાડા પૂરવાના કામ તથા પાણી ના નિકાલના કામને પ્રાધાન્ય આપવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા શહેરના નાગરિકોની સુખાકારી અને સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે સતત પ્રયાસરત છે. શહેરી વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી મૂળભૂત સેવાઓ સંબંધિત સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે, મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસ્તાર મુજબ અધિકારી/કર્મચારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલ શહેરના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચેના સંવાદને વધુ મજબૂત કરશે અને સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવશે.
હાલ ચોમાસાની પરિસ્થિતિ અન્વયે મોરબી શહેરી વિસ્તારમાં નાગરિકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓની સુલભતા માટે કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવે તેવા ઉદ્દેશ્ય સાથે શહેરના વિવિધ વિસ્તાર મુજબ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી/કર્મચારીને નિયુક્ત કરવામાં આવ્યા છે અને ફરિયાદ નોંધાવા માટે તેમના સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનો તેમના વિસ્તારમાં રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ તેમજ સફાઈ ના પ્રશ્નો માટે સંબંધિત વિસ્તારના અધિકારી/કર્મચારીનો સંપર્ક કરી શકાશે.
બન્ને નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓનો મીટીંગ અથવા બીજી વ્યસ્તતાઓ સિવાય હરહંમેશ કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકાશે. તે સિવાય મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની પણ સોમવાર અને ગુરૂવારે બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ અને ચોમાસા દરમિયાન દરરોજ સાંજે ૦૫ થી ૦૬ દરમિયાન મુલાકાત કરી શકાશે.
નાગરિકો દ્વારા મળતા આ પ્રશ્નો બાબતે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નિયત સમયમર્યાદામાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. મહાનગર પાલિકાની ટીમ નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિકાલ માટે કટિબધ્ધ છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા અને સંજય સોની અને જિલ્લાના વિવિધ માધ્યમો સાથે જોડાયેલા પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Leave Your Comment Here