
મોરબીમાં બનશે નમો વન; રાજ્ય સરકાર અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી અંદાજિત ૩૫૦૦ વૃક્ષો વવાયા

ઉદ્યોગ નગરી મોરબીને વૃક્ષનગરી બનાવવા સૌ સહિયારા પ્રયાસો કરીએ

મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું વિશેષ સન્માન કરાયું

મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી સહિત મહાનુભાવો અને જિલ્લાવાસીઓ મળી અંદાજિત ૩૫૦૦ જેટલા લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસથી આ કાર્ય શક્ય બન્યું છે. મોરબી એક એવું સ્થળ છે જ્યાં નાના એવા ભૌગોલિક વિસ્તારમાં ૩ હજારથી વધુ કારખાનાઓ આવેલા છે, જેથી આ જગ્યાએ વન અને વૃક્ષોની જરૂરિયાત સવિશેષ છે. ત્યારે વિશેષ પ્રમાણમાં વૃક્ષારોપણ કરી ઉદ્યોગનગરી મોરબી વૃક્ષનગરી બને તે માટે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, સરકાર, સંસ્થાઓ, ઉદ્યોગો તેમજ લોકો સાથે મળી સહિયારા પ્રયાસ કરે તે જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં વિશેષ પ્રમાણમાં વૃક્ષારોપણ સાથે મોરબી જિલ્લાવાસીઓને હરવા ફરવા માટેનું વિશેષ સ્થળ બને તે માટેના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પને આજે આપણે સાકર કરવા જઈ રહ્યા છીએ. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે તેમણે કાર્યમાં સહભાગી સૌનો આભાર માન્યો હતો તથા અભિનંદન પણ પાઠવ્યા હતા.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, એકસાથે ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરી આપણે સૌ ગુજરાતમાં ઇતિહાસનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પ્રકૃતિ સાથે આનંદ પ્રમોદ કરવા વિશેષ સ્થળનું મોરબીમાં નિર્માણ થવા જઈ રહ્યું છે જે ખૂબ આનંદની વાત છે.
મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ ખાતે ૧૧૦૦ વીઘા જમીન પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સ્થળને પ્રવાસનના સ્થળ તરીકે વિકસાવવા આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર વિવિધ આયોજનો હાથ ધરવામાં આવશે. વધુમાં મોરબી જિલ્લાનો એક પણ રોડ વૃક્ષ વિનાનો ન રહે તે માટે સૌને આહવાહન પણ કર્યું હતું.
ગુજરાત રાજ્યના વન વિભાગના PCCF અને HOFF શ્રી એ.પી. સિંઘએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે એક પેડ મા કે નામ અભિયાનમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે રહ્યું છે. વન વિભાગના જીવન G-૨ મોડેલ હેઠળ મોરબીમાં આ પાંજરાપોળના વિસ્તારને સાંકળી લેવામાં આવશે અને ત્યાં લાંબા આયુષ્ય ધરાવતા દેશી વૃક્ષોનું વાવેતર કરતા આ વિસ્તાર વધુ રળિયામણો બનશે.
આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ બ્રાહ્મણશ્રીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરી આ વિસ્તારને હરિયાળુ બનાવવાના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાંજરાપોળના આ વિસ્તારમાં રાજ્ય સરકાર તથા સદભાવના ટ્રસ્ટના સહયોગથી આમળો, શીરસ, કરંજ, કણજી, ઉમરો, બોરસલી, કંચનાર, બિલ્લી, કટગુંદી, બેહડા, ખેર સહિત સ્થાનિક વૃક્ષો તેમજ વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો મળી ૪૦ થી ૫૦ પ્રજાતિના લાંબુ આયુષ્ય ધરાવતા ૫ થી ૬ ફૂટના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, સુરેન્દ્રનગર સાંસદશ્રી ચંદુભાઈ સિહોરા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત રાજ્ય સામાજિક વનીકરણ PCCF શ્રી આર.કે. સુગુર, મોરબી નાયબ વન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટેલ, અગ્રણીશ્રી પંકજભાઈ મોદી, મોરબી પાંજરાપોળના પ્રમુખશ્રી વેલજીભાઈ ઉઘરેજા, સદભાવના ટ્રસ્ટના અગ્રણીશ્રી વિજયભાઈ ડોબરીયા, સંત મહંત સર્વશ્રી કનકેશ્વરીદેવીજી, શ્રી ભાણદેવજી મહારાજ, શ્રી અમરગીરી બાપુ, જિલ્લાના આગેવાનશ્રીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો, વિદ્યાર્થીઓ, વન વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં આ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા.
Leave Your Comment Here