
વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ગટર વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા કાયમી બની ગઈ છે. અનેક જગ્યાએ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય સતત વકરતો જાય છે. ખાસ કરીને બાળકો અને વડીલો માટે આ પરિસ્થિતિ આરોગ્ય માટે જોખમી બની રહી છે.
આંગણવાડી જેવી મૂળભૂત સુવિધા પણ ન હોવાને કારણે નાના બાળકોના વિકાસ અને આરોગ્ય પર સીધી અસર પડી રહી છે. સફાઈ વ્યવસ્થાની અછત પણ લોકો માટે વધારાની મુશ્કેલી ઊભી કરે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય નેતાઓ મત માગવા માટે વિસ્તારનો દરવાજો ખખડાવી રહ્યા છે, પરંતુ વર્ષોથી સમસ્યાઓનો ઉકેલ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે દર ચૂંટણીએ વચનો આપવામાં આવે છે, પરંતુ પછી કોઈ ફરીને પૂછવા પણ આવતું નથી.
ખાસ વાત એ છે કે આ વિસ્તારનું નામ મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય અને હાલના રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમ છતાં, તેમના જ મત વિસ્તારમાં આવેલા કાંતિનગરમાં વિકાસની અછત અનેક પ્રશ્નો ઉભા કરે છે. રહીશોનું માનવું છે કે હવે આ વિસ્તારમાં સાચી અર્થમાં “ક્રાંતિ”ની જરૂર છે: વિકાસની ક્રાંતિ.
વિસ્તારના રહીશોએ તંત્ર સમક્ષ તાકીદે રોડ-રસ્તા સુધારણા, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, આંગણવાડીની સ્થાપના અને નિયમિત સફાઈ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગણી ઉઠાવી છે. કાંતિનગરના લોકો હવે વચનો નહીં, પરંતુ હકીકતમાં વિકાસ જોવા માંગે છે. જો સમયસર યોગ્ય પગલાં લેવાશે, તો આ વિસ્તાર પણ મોરબીના વિકાસના નકશામાં ગૌરવપૂર્વક સ્થાન મેળવી શકે છે.





Leave Your Comment Here